July 21, 2012

ચાલો ફરવા


બ્રિટિશ ઢબનાં બાંધકામો માટે પ્રખ્યાત સ્થળ પંચગીની ચાલો ફરવા
મ હારાષ્ટ્રમાં આવેલાં ફરવાલાયક સ્થળોમાં પંચગીનીનો પણ સમાવેશ થાય છે. બ્રિટિશ શાસન દરમિયાન ૧૮૬૦ આસપાસ આ હિલસ્ટેશનનો વિકાસ એક સમર પોઇન્ટ તરીકે કરવામાં આવ્યો હતો. જ્હોન ચેશન નામના તત્કાલીન સુપરિન્ટેન્ડન્ટે પંચગીનીના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ત્યારે પંચગીનીમાં પશ્ચિમી ઢબનાં બાંધકામો અને બગીચાઓ બનાવવામાં આવ્યા હતા. આજેય અહીં બ્રિટિશ સ્ટાઇલ ઊડીને આંખે વળગે છે. બારેય માસ ફરવા જેવાં સ્થળોમાં પંચગીનીનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રના અન્ય એક વિખ્યાત હિલસ્ટેશન મહાબળેશ્વરથી પંચગીની માત્ર ૧૬ કિલોમીટરના અંતરે આવેલું છે. એટલે આ તરફ આવતા સહેલાણીઓને એકસાથે મહારાષ્ટ્રનાં બે ફરવાલાયક સ્થળોનો લાભ મળે છે.
પંચગીનીમાં જૂની બ્રિટિશ અને પારસી ઇમારતો જોઈ શકાય છે. આ ઉપરાંત એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટ માટે પણ પંચગીની જાણીતું છે. વળી, પ્રકૃતિપ્રેમી માણસ કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો મળ્યાનો આનંદ પણ અહીં ઉઠાવી શકે છે.
સિડની પોઇન્ટ, ટેબલ લેન્ડ, પારસી પોઇન્ટ, મેપ્રો ગાર્ડન ઉપરાંત ડેવિલ કિચન જેવાં સ્થળોની મુલાકાત લેવા જેવી છે.
પંચગીનીમાં ઘણાં ચર્ચ આવેલાં છે, પરંતુ અહીં આવતા ભારતના પ્રવાસીઓ નજીકમાં આવેલાં ગણેશ મંદિર અને રાધાક્રૃષ્ણ મંદિરની મુલાકાત લેવાનું ચૂકતા નથી.
પંચગીનીના કુદરતી સૌંદર્યથી બોલિવૂડ પણ આકર્ષાયું છે. ઘણી ફિલ્મોનું શૂટિંગ અહીં થયું છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી સૈફઅલી ખાન અભિનિત ફિલ્મ 'એજન્ટ વિનોદ'નું શૂટિંગ પંચગીનીમાં થયું હતું. એ પહેલાં આમિર ખાનની ફિલ્મ 'તારે જમીં પર'માં પંચગીનીના કુદરતી સૌંદર્યને કેમેરામાં કેદ કરવામાં આવ્યું હતું.
પંચગીની ભારતભરનાં મોટાં શહેરો સાથે સીધું જોડાયેલું છે, પણ પૂણે સુધી હવાઈ માર્ગે પણ આવી શકાય છે. પૂણેથી પંચગીની ૯૮ કિલોમીટરના અંતરે આવેલું છે. પૂણેથી રેલવેની સવલત પણ સરળતાથી ઉપલબ્ધ છે.
આમ તો આખા વર્ષ દરમિયાન સહેલાણીઓ માટે અહીંનું વાતાવરણ અનુકૂળ હોય છે, પણ સપ્ટેમ્બરથી મે સુધીનો ગાળો પ્રવાસીઓને વધુ માફક આવે છે. સામાન્ય રીતે પંચગીનીનું તાપમાન ૧૬ ડિગ્રી આસપાસનું હોય છે. વધીને આ તાપમાનનો પારો ક્યારેક ૩૫ ડિગ્રી સુધી પણ પહોંચી જાય છે. બ્રિટિશ ઢબનું બાંધકામ હોવાથી યુરોપના પ્રવાસીઓને પણ પંચગીની આકર્ષે છે
sorce : sandesh