July 30, 2012

એક યોગીપુરૂષે અંગ્રેજ અફસરોને કરાવેલો યોગશક્તિનો પરચો!

અંગ્રેજો ભારત પર શાસન કરતાં હતાં તે વખતની આ ઘટનાઓ છે. મહારાષ્ટ્રના સ્યાલકોટ ખાતે મેજર ડિક નામના એક અંગ્રેજ અફસર હતાં. એક દિવસે તે બંગલાના વરંડામાં બેસીને ચા-નાસ્તો કરી રહ્યાં હતાં ત્યાં એક સાધુ જેવા દેખાવવાળા યોગીપુરૂષ આવી પહોંચ્યા. એમણે મેજર ડિકને વિનંતી કરતાં કહ્યું - ‘‘સાહેબ, બહુ જ ભૂખ્યો છું. એક-બે બ્રેડ, ટોસ્ટ, ચા કે એને ખરીદવા માટેના પૈસા આપો તો આપની કૃપા.’’
મેજર કાર્લ ડિક બહુ ગરમ સ્વભાવના હતાં. મેજરે ગુસ્સે ભરાઇને કહ્યું - ‘‘ તમારા જેવા ઘણાં માગવવાળા આવે છે, પણ હું કોઇને આપતો નથી. અહીંથી બહાર નીકળો. સહેજ દરવાજો ખૂલ્યો નથી કે કોઇ અંદર ઘૂસ્યું નથી.’’ પેલા સાધુએ આ અપમાનનું કંઇ ખોટું ન લગાડ્યું. તેણે બે હાથ જોડીને કહ્યું - ‘‘સાહેબ, નારાજ ન થશો. હિન્દુ કે ખિ્રસ્તી બધા સરખા જ છે. આખી દુનિયા ભગવાને તો સર્જેલી છે. હું બહું જ ભૂખ્યો છું. મેં ક્યાં કશું વધારે માંગ્યું છે? થોડું ભોજન જોઇએ છે. શક્ય હોય તો એ ઇચ્છા પૂરી કરી દો.’’
સાધુની આ વાત સાંભળીને કાર્લ ડિકનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો. તેણે ભયંકર બરાડો પાડતા કહ્યું - ‘દુષ્ટ હિન્દુસ્તાની! જલદી ભાગ અહીંથી, નહીંતર નોકરની પાસે ધક્કો મરાવીને બહાર ફેંકાવી દઇશ. ’’ પેલા સાધુએ કે કાર્લ ડિકને કહ્યું - ‘‘જયાં સુધી તમે મારૂ અપમાન કર્યું ત્યાં સુધી તો મેં તે સહન કરી લીધું. પણ હવે તમે આખા હિન્દુસ્તાનને અપમાનિત કરી અપશબ્દથી લાંછિત કરવાનો પ્રયત્ન કર્યો છે એ હું સહન નહીં કરૂં.’’ મેજરે એ જ રીતે રાડ પાડીને કહ્યું - ‘‘જા, જા. તારા જેવા તો બહુ આવ્યા. તું શું કરી લેવાનો? એક તો ભીખ માગવા નીકળ્યો છે અને પાછું ગૌરવ સાચવવાની વાતો કરે છે.’’ તેણે નોકરને બોલાવ્યો અને એ સાધુને ધક્કો મારીને બહાર કાઢી મૂકવા આદેશ કર્યો.

સાધુ બાવાએ એ નોકર સામે મંદ સ્મિત કર્યું. પેલા નોકરના પગ ત્યાં જ જડાઇ ગયા. મેજરે ઘણું કહ્યું તોય તે એક ડગલું ય આગળ ચાલી ન શક્યો. મેજરે એના પાળેલા કૂતરાને અવાજ કર્યો કે એ બહાર ધસી આવ્યો. મેજરે ઇશારો કરી પેલા સાધુ પર તૂટી પડવા આજ્ઞા કરી. નજીક ધસી આવેલા એ કૂતરા પર સાધુએ એક નજર કરી અને એ ત્યાં જ સ્થિર થઇ ગયો. પછી પેલા સાધુએ એના કમંડળમાંથી થોડું પાણી હાથમાં લીધું અને કોઇક મંત્ર બોલીને મેજર ડિક પર છાંટ્યું. અને એને કહ્યું - ‘‘મને તમારા માટે કોઇ દ્વેષ નથી પણ તમે અમારા દેશ, ધર્મ અને સંસ્કૃતિને ગાળો ભાંડી અપમાનિત કર્યા છે એટલે એની શિક્ષા ભોગવવી પડે એમ કરૂ છું. આજથી એક મહિના પછી તમે મારી જેમ ભૂખથી તરફડશો. આખા શહેરમાં ગમે તેટલું ભટકશો પણ ક્યાંય ખાવા નહીં મળે. છેવટે મારી પાસે ખાવાનું માગવા આવવું પડશે અને ભૂખ શાંત કરવી પડશે. તમારે આ શહેર છોડીને જવું પડશે!’’ પછી એ સાધુ ત્યાંથી ચાલી નીકળ્યો.
ત્યાંથી થોડેક આગળ કર્નલ જયોર્જનો બંગલો હતો. બંગલાના કમ્પાઉન્ડમાં એમની પુત્રી ઇલા વર્તમાનપત્ર વાંચી રહી હતી. ત્યાં એ સાધુ આવી પહોંચ્યા. એમણે અત્યંત નમ્રતાથી કંઇક ખાવાનું આપવા વિનંતી કરી. તે બંગલામાં જઇને થોડું દૂધ, ટોસ્ટ અને ફળ લઇ આવી અને એમને ખાવા આપ્યા. પેલા યોગી સાધુએ પ્રસન્નતાથી તે આરોગી લીધું. પછી પોતાની પોટલીમાંથી એક ફળ કાઢ્યું અને એના પર કમંડળમાંથી જળ લઇને છાંટ્યું. પછી એને આપતા કહેવા લાગ્યા - ‘‘બેટી! અમે યોગીપુરૂષો કોઇ ઘટના બનવાની હોય એને પહેલેથી જ જાણી લઇએ છીએ. ત્રણ અઠવાડિયા પછી આ ઘરમાં કોઇ ગંભીર રીતે બિમાર પડવાનું છે. કોઇ ડોક્ટર કે વૈદ્ય એનો ઇલાજ કરી નહીં શકે એવી એ બિમારી હશે. એ વખતે આ ફળને બાળીને એનો ધૂમાડો કરજે એટલે એ બિમારી તત્કાળ દૂર થઇ જશે! કર્નલની પુત્રીએ એ ફળ પુસ્તકોની પાછળ મૂકી દીધું.
ત્રણ અઠવાડિયા પછી કર્નલ જયોર્જ એકાએક જ ગંભીર રીતે બીમાર પડી ગયા. અનેક ડોક્ટરો અને વૈદ્યોએ એમની બિમારી દૂર કરવાનો પ્રયત્ન કર્યો પણ એમાં એમને સફળતા ન મળી. મુંબઇથી પણ એક નિષ્ણાત ડોક્ટરને બોલાવ્યા પણ કોઇ ફાયદો ન થયો. કર્નલની સ્થિતિ બગડતી ગઇ. એ જ દિવસે બપોરે પેલા સાધુ કર્નલના બંગલાની બહાર દેખાયા. કર્નલની પુત્રી ઇલા એની બેનપણી મેજર ડિકની પુત્રી સાથે રસોડામાં હતી. તેણે પેલા સાધુને જોયા એટલે એ બહાર દોડી આવી. સાધુએ કહ્યું - ‘‘મેં તને જે ફળ આપ્યું હતું તેનો તે હજુ તારા પિતા માટે ઉપયોગ કર્યો નથી. મેં કહ્યું હતું તેમ કરીશ એટલે એમને સારૂં થઇ જશે. તે મારા ઉપર ઉપકાર કર્યો હતો એટલે હું તને આ કહેવા માટે ફરી આવ્યો છું. ઇલા તરત જ ભાગીને એના અભ્યાસ ખંડમાં ગઇ અને પુસ્તકોની પાછળ મૂકેલું પેલુ ફળ લઇ આવી. તેણે સગડી લાવી તેમાં કોલસા ગરમ કર્યા અને અંગારા બની ગયા એટલા એમાં પેલું ફળ મૂકી દીધું. થોડીવારમાં ધૂમાડો થયો અને ફટાક કરતો અવાજ આવ્યો. એ સાથે જ કર્નલની આંખો ખૂલી. એમના ધબકારા સામાન્ય થઇ ગયા. મૃતદેહ જેવા ઠંડા શરીરમાં ઉષ્મા પાછી આવી અને એમની બિમારી તત્ક્ષણ દૂર થઇ ગઇ. મુંબઇથી આવેલા ડોક્ટર પણ આ જોઇને આશ્ચર્યચક્તિ થઇ ગયા!
આ બાજુ સાધુએ મેજર ડિકને જે અભિશાપ આપ્યો હતો એ વાતને એક મહિનો પૂરો થયો અને બીજા જ દિવસે એમની હાલત કફોડી થઇ ગઇ. પ્લેગ શરૂ થયો હોવાને કારણે મોટાભાગના નોકરો ભાગી ગયા. એક ઘરમાં રહ્યો હતો એને પ્લેગ લાગુ પડી ગયો હતો એટલે એ ભાગી પણ ના શક્યો. ઘરમાં ચા, નાસ્તો બનાવનાર કોઇ નોકર ન હતો. ત્યાંથી તે તેમની પત્ની અને પુત્રી સાથે છાવણીના બંગલે પહોંચ્યા. ત્યાં ચા મંગાવી તો તેમા કેરોસીન જેવી દુર્ગંધ આવી તેથી તે ઢોળી દીધી. થોડીવારમાં કેપ્ટન સ્મિથે આવીને કહ્યું - ‘‘તમે જયાંથી આવ્યા એ બંગલામાં પ્લેગ લાગી ચૂક્યો હોવાથી તમને અહીં રાખવા યોગ્ય નથી એવો ઉપરથી આદેશ થયો છે એટલે તમારે અત્યારે જ અહીંથી નીકળી જવું પડશે! ત્યાંથી એમને બીજા બંગલામાં ખસેડાયા. એમના માટે ભોજન લઇને આવતો ટેમ્પો ટ્રક સાથે અથડાયો અને બધુ ભોજન નષ્ટ થઇ ગયું. સ્મિથ એમને પોતાના બંગલે ભોજન માટે લઇ ગયો. ભોજન તૈયાર થઇ ગયું. નોકર પ્લેટો ભરીને આવતો હતો અને પગ નીચે કશું આવી જતાં એના હાથની પ્લેટો પડી ગઇ અને બધુ ભોજન મેજર ડિક પર જ પડ્યું! આમ એ ભોજન પણ નષ્ટ થઇ ગયું. ફરી ભોજન બનાવવામાં આવ્યું. નોકર એના પર ઢાંકણુ ઢાંકીને એ મેજર ડિક પાસે લઇ આવ્યો. મેજરે જેવું જ ઢાંકણુ ખોલ્યું તો તેમાં ભોજનને બદલે સડેલું ઘાસ અને પાંદડા જોવા મળ્યા! નોકરોએ કહ્યું કે અમે તો આમા માસની વાનગી જ મૂકેલી હતી. આ ઘાસ અને પાંદડા ક્યાંથી આવી ગયા એની અમને જ નવાઇ લાગી. આમ આખા દિવસની રઝળપાટમાં એમને ખાવા માટે કંઇ જ ન મળ્યું. બીજે દિવસે સવારે એક હોટલમાં ખાવા ગયા તો તે બંધ હતી. મીઠાઇની દુકાનેથી મીઠાઇ ખરીદી ખાવા ગયા તો તેમાં કેરોસીન જેવી ભયંકર દુર્ગંધ આવતી હતી તેથી તે ફેંકી દીધી.
એટલામાં એમને સામેથી એક મહિના પહેલા મળ્યા હતાં તે સાધુ આવતા જોવા મળ્યા. મેજર ડિકને ખ્યાલ આવી ગયો હતો કે ગઇકાલે જે બન્યું તે આ સાધુના અભિશાપથી જ થયું હતું. તેમણે એ સાધુની ક્ષમા માગી અને કંઇક ખાવાનું હોય તો આપવા પુષ્કળ વિનંતી કરવા માંડી. સાધુએ હસીને કહ્યું - ‘‘યાદ છે એક મહિના પહેલા મેં કહ્યું હતું તે? તમારે ભૂખ-તરસથી ભટકવું પડ્યું ને! અને છેવટે મારી પાસે જ ખાવાનું માંગવું પડ્યું ને!! અમારી સંસ્કૃતિ ઉદાર છે. ચાલો, હું તમને ભોજન કરાવું.’’
પેલા સાધ પુરૂષ એમને એક ઝૂંપડીમાં લઇ ગયા. ત્યાં ત્રણ પતરાળા પડ્યા હતાં. તેમાં તપેલીમાંથી ગરમ ગરમ શાકાહારી ભોજન પીરસ્યું અને તેમને જમાડ્યા. મેજર ડિક અને તેમના કુટુંબીજનોને આશ્રર્ય એ વાતનું પણ થયું કે ત્યાં કોઇ ચૂલો ન હતો, રસોઇના વાસણો પણ નહોતા, જમવાની સામગ્રી પણ નહોતી તો આ રસોઇ અચાનક આવી ક્યાંથી?
તે પછી તેમણે ભારતીય સાધુ-સંતો અને યોગીપુરૂષોનું અપમાન કરવાનું છોડી દીધું અને તેમને હંમેશા આદરની દૃષ્ટિએ જોવા લાગ્યા. 
Vatan News  - By snehal shah