July 19, 2012

વાર્તા


વાર્તા રે વાર્તા

ધરમ કરતાં ધાડ પડી

એક રાજા હતો. તેનો શયનખંડ ભવ્ય હતો. રાજાના પલંગના એક ખૂણામાં માંકડ રહેતો હતો. તે રોજ રાત્રે રાજાનું લોહી ચૂસતો હતો. એક વાર ત્યાં મચ્છર આવ્યો. માંકડે તેને કહ્યું, તું જતો રહે, નહીં તો રાજાના સૈનિકો તારા કારણે મનેય મારી નાખશે. પણ મચ્છર માન્યો નહીં. તે કહે, બસ! આજની એક જ રાત હું અહીં રહીશ. મેં અનેક લોકોનાં લોહી ચાખ્યાં છે. ફક્ત રાજાનું લોહી ચાખ્યું નથી. આજે ચાખીને જતો રહીશ. માંકડ કહે, ઠીક. પણ સાંભળ. રાજા જ્યારે ઘસઘસાટ ઊંઘે પછી જ એમના પગે કરડજે, સમજ્યો.મચ્છરે હા પાડી. રાત પડી એટલે રાજા આવ્યો ને પલંગમાં પડયો. હજી રાજા ઘસઘસાટ સૂતો નહોતો ત્યાં તો મચ્છરને રાજાનું લોહી પીવાની તલપ લાગી. તે માંકડની વાત ભૂલી ગયો ને રાજાના ગળે ચટક્યો.
રાજા ચીસ પાડી ઊઠયો, ઝટ આવો ને જુઓ! મને કંઈક કરડી ગયું છે.” બહાર ઊભેલા સૈનિકો ફટાફટ આવ્યા. મચ્છર તો રાજાનું લોહી ચાખી ખુશ થઈ ઊડી ગયો. સૈનિકો પલંગ જોવા લાગ્યા. ગાદલા નીચે જોયું તો માંકડ. થોડી જ વારમાં સૈનિકોએ માંકડનો ખાતમો બોલાવી દીધો. બિચારો માંકડ! મહેમાન મચ્છરને કારણે મરણ પામ્યો. માંકડ અને મચ્છરની આ વાર્તા પરથી બોધ મળે છે કે મદદ એવા લોકોને જ કરવી જોઈએ, જે આપણને મુસીબતમાં ન ફસાવી દે.



અભિમાની કાગડો


એક કાગડાને એમ કે મારા જેવું કોઈ હોશિયાર નથી ને મારા જેવું કોઈ બળવાન નથી. આથી તે બીજા કાગડાઓને હંમેશાં તુચ્છકારી કાઢતો. બીજા કાગડાઓને તેના આવા વર્તનથી ખરાબ લાગતું. એમણે કાગડાના અભિમાનને ઓગાળવાનો નિર્ણય કર્યો. થોડા કાગડા અભિમાની કાગડા પાસે ગયા અને કહ્યું, તમે તો બહુ ચતુર અને બળવાન છો. તો આપણે એક હરીફાઈ કરીએ. સરખા કદની બે થેલીઓ બનાવીએ. જેને જે વજન થેલીમાં મૂકવું હોય તે મૂકે. એ થેલી લઈને ઊંચે ઊડવાનું. જે વધારે સમય આકાશમાં ઊડી શકે તે બળવાન. બોલો તમારે ભાગ લેવો છે?” અભિમાની કાગડો તો પોતે જ બળવાન અને હોશિયાર છે એ સાબિત કરવા હંમેશાં તત્પર રહેતો એટલે તેણે તો તરત જ હરીફાઈમાં ભાગ લેવા માટે હા પાડી દીધી. હરીફાઈ શરૂ થઈ. અભિમાની કાગડાએ થેલીમાં રૂ ભર્યું. જ્યારે બીજા કાગડાએ થેલીમાં મીઠું ભર્યું. બંને જણાં આકાશમાં ઊડવા લાગ્યા. શરૂઆતમાં તો અભિમાની કાગડો ખૂબ ઊંચે ઊડવા લાગ્યો. પણ એ જ સમયે વરસાદ પડયો. વરસાદને કારણે અભિમાની કાગડાની થેલીમાં રહેલું રૂ પલળી ગયું અને થેલી ખૂબ ભારે થઈ ગઈ જ્યારે મીઠું લઈને ઊડી રહેલા કાગડાની થેલીમાંથી મીઠું ઓગળવા લાગ્યું. થોડી વારમાં મીઠું ભરેલી થેલી ખાલી થઈ ગઈ. તેથી તે આકાશમાં ઊડતો જ રહ્યો જ્યારે રૂ પલળવાને કારણે અભિમાની કાગડાની થેલી ભારે થઈ ગઈ. તે માંડ માંડ થેલી લઈને આકાશમાં ઊડી શકતો. તે લાંબો સમય આકાશમાં ઊડી શક્યો નહીં અને નીચે આવી ગયો. તેણે પોતાની હાર કબૂલી લીધી. તેને પોતાના અભિમાન પર પસ્તાવો થવા લાગ્યો. ક્યારેય અભિમાન કરવું જોઈએ નહીં.