July 22, 2012


આદર્શ રાજ્ય એ કહેવાય જ્યાં રાજા દાર્શનિક હોય : ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન

બીજા રાષ્ટ્રપતિ
જન્મ    
૫ સપ્ટેમ્બર ૧૮૮૮
મૃત્યુ     
૧૭ એપ્રિલ ૧૯૭૫
રાષ્ટ્રપતિકાળ
૧૩ મે ૧૯૬૨થી ૧૩ મે ૧૯૬૭

સફેદ પાઘડી, ગોઠણ સુધી આવતો લોંગકોટ, સફેદ ધોતી, ગોરું શરીર, પંપ શૂઝ, છ ફીટ જેવી ઊંચાઈ અને માથે બે પટ્ટામાં વહેંચાયેલી વિશિષ્ટ પ્રકારની પાઘડી. આટલું વર્ણન કરીએ એટલે જે ચિત્ર ખડું થાય એ ડો. રાધાકૃષ્ણનનું હોય.
ડો. રાધાકૃષ્ણન દેશ દુનિયામાં ફિલોસોફર પ્રેસિડેન્ટ તરીકે જાણીતા છે. વર્ષો પહેલાં ફિલોસોફર પ્લેટોએ લખેલું કે આદર્શ રાજ્ય એ કહેવાય જ્યાં રાજા દાર્શનિક હોય. ડો. રાધાક્રિષ્નન રાષ્ટ્રપતિ બન્યા એટલે એ વાત થોડી-ઘણી સાચી સાબિત થઈ. રાધાક્રિષ્નનનો જન્મ ૧૮૮૮માં આંધ્ર પ્રદેશના ધાર્મિક શહેર તિરૂતનીમાં થયેલો. તેમના પિતા સર્વપલ્લી વીરાસ્વામી અને માતા સીતામ્મા ગરીબ બ્રાહ્મણ હતાં. દક્ષિણ ભારતની પરંપરા પ્રમાણે તેમના નામમાં લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં ગામનું નામ છે. વર્ષો પહેલાં તેમના પૂર્વજો આ ગામમાં રહેતાં હતાં.
૧૬ વર્ષે કૃષ્ણનન ભણતાં હતા ત્યારે જ ૧૦ વર્ષની કન્યા શિવકામૂ સાથે તેમનાં લગ્ન થઈ ગયેલાં. દરમિયાન ૨૦ વર્ષે પહોંચેલા કૃષ્ણનની વિદ્વત્તા છાની રહેતી ન હતી. માટે તેમને મદ્રાસ, મૈસુર, કોલકાતા વગેરે યુનિવર્સિટીઓમાં ભણાવવાનું આમંત્રણ મળવા લાગ્યું. એમ.એ. દરમિયાન તૈયાર કરેલો શોધ નિબંધ તેમણે ૨૦ વર્ષની વયે જ પુસ્તક તરીકે પ્રગટ કરી દીધો. એ પુસ્તકનું નામ હતું, 'ધ એથિક્સ ઓફ ધ વેદાન્ત એન્ડ ઈટ્સ મટીરિયલ એક્સપોઝિશન'.
તેમની પ્રગતિ બહુ સીધી લીટીમાં હતી. દેશમાં ઉપકુલપતિ સુધી પહોંચ્યા પછી તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૬ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર રહ્યા. ત્યાં તેમણે હિન્દુ ધર્મ ભણાવ્યો. એ દરમિયાન ઇન્દિરા ગાંધી, સાંસદ ભૂપેશ ગુપ્તા અને ઇઝરાયેલના ઉપવડાપ્રધાન રહી ચૂકેલા યિગેલા આલોં જેવાં તેમના વિદ્યાર્થીઓ હતાં.
૧૯૪૮માં તેઓ યુનેસ્કોના ચેરમેન બન્યા. ૧૯૪૯માં કૃષ્ણન રશિયામાં ભારતના રાજદૂત બન્યા. સરમુખત્યાર જોસેફ સ્તાલિન કોઈને મળવા માટે તૈયાર ન થતો. પણ રાધાકૃષ્ણનને બે વખત મળ્યો. આક્રમકતા અને બળપ્રયોગ કરી સત્તા પર આવેલા સ્તાલિનને ઈશારો કરતાં કરતાં કૃષ્ણને કહેલું કે અમારે ત્યાં પણ એક રાજાએ ધરાર સત્તા હાંસલ કરી એ પછી તેને કલિંગમાં પશ્ચાત્તાપ કરવાનો વારો આવેલો. સ્તાલિન-કૃષ્ણનની બે મુલાકાતથી આખા જગતને આશ્ચર્ય થયેલું. ૧૯૫૨માં દેશને સક્ષમ ઉપરાષ્ટ્રપતિની જરૂર પડતાં રાધાકૃષ્નને ભારત બોલાવી લેવાયા. અહીંથી જ તેઓ ભારતના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા. ૧૯૫૪માં તેમને ભારત રત્ન આપી દેવાયો હતો. ૧૯૬૨માં તેમણે ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને રાષ્ટ્રપતિ તરીકે પોતાનો પગાર ઘટાડી ૨ હજાર રૂપિયા કરી નાખ્યો. અગાઉ નોંધ્યું તેમ તેમની વિશ્વભરમાં ખ્યાતિ હતી. પરિણામે અમેરિકા પહોંચ્યા ત્યારે તેમને હેલિકોપ્ટર દ્વારા સીધા જ વ્હાઈટ હાઉસમાં ઊતરવાનું સન્માન મળ્યું. આ રીતે વ્હાઈટ હાઉસમાં પહોંચનારા એ વખતે તેઓ પહેલા પરદેશી હતા. અંતિમ દિવસોમાં તેઓ ઘણું ભૂલી જતાં હતા. તબિયતની પણ ગંભીર સમસ્યાઓ હતી. એ સ્થિતિ વચ્ચે જ તેઓએ ૧૯૭૫ની ૧૭મી એપ્રિલે વહેલી સવારે હંમેશાં માટે વિદાય લીધી. 
તેઓ પોતાનાં પ્રવચનો જાતે જ લખતાં!
* ઈરાનની તહેરાન યુનિવર્સિટીએ જ્યારે રાધાકૃષ્ણનને ડોક્ટર ઓફ લિટરેચરની ડિગ્રી આપી ત્યારે ડો. કૃષ્ણને વિશ્વવિદ્યાલયને પોતાનાં બધાં જ પુસ્તકો ભેટમાં આપ્યાં. એ પુસ્તકો સ્વાભાવિક રીતે જ ડો. કૃષ્ણનની વિદ્વત્તાથી ભરાયેલાં હતાં. માટે યુનિવર્સિટીના કુલપતિએ તેમને મજાકમાં જવાબ આપ્યો કે ડી.લીટની ડીગ્રી આપી આપણે તેમને વધારે આપ્યું કે પછી આ પુસ્તકો દ્વારા તેમણે આપણને વધારે આપ્યું એ સમજવું મુશ્કેલ છે!
* રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા અને કમ્યુનિસ્ટ સાંસદ ભૂપેશ ગુપ્તા ડો. કૃષ્ણનના વિદ્યાર્થી હતા. પણ રાજ્યસભામાં ડો. કૃષ્ણન અધ્યક્ષ હોય અને ભૂપેશ વિરોધપક્ષના નેતા તરીકે બેઠા હોય એવું ઘણી વખત બનતું. ગુપ્તા પોતાના શિક્ષકનો પૂરો આદર જાળવતા. તો સામે પક્ષે રાજ્યસભામાં ક્યારેક ગુપ્તા નજરે ન પડે તો કૃષ્ણન પૂછતાં: "વ્હેર ઈઝ ભૂપેશ?" સામાન્ય સંજોગોમાં અધ્યક્ષ વિરોધપક્ષના નેતાને આ રીતે નામ લઈને બોલાવતા હોતા નથી.
sorce : sandesh