July 22, 2012


જંગલ બૂક

ઓસ્ટ્રેલિયામાં મોટી સંખ્યામાં જોવા મળતા કોઆલા તેની સુંવાળી ત્વચા માટે જાણીતા છે. આ પ્રાણી એક દિવસમાં ૨૪માંથી ૨૦ કલાકની ઊંઘ કરે છે. વૃક્ષો પર રહેતા આ સજીવોને ઓસ્ટ્રેલિયાના લોકો ખૂબ જ પસંદ કરે છે. ૧૭૮૮માં કોઆલાની સંખ્યા દસ લાખ જેટલી હોવાનું મનાતું હતું. જોકે, ૧૯૨૦ સુધીમાં આ સંખ્યા મોટા પ્રમાણમાં ઘટી ગઈ હતી. તેની સુંવાળી ચામડીના કારણે તેનો શિકાર થવા લાગ્યો હતો અને એટલે હવે કોઆલાની સંખ્યામાં ચિંતાજનક રીતે ઘટાડો નોંધાયો છે. એક સમયે લાખોની સંખ્યામાં જોવા મળતા આ પ્રાણીની સંખ્યા આજે માંડ ૪૫ હજાર હોવાનો અંદાજ છે. તેની ચામડી કીમતી હોવાથી શિકારીઓના સકંજામાં તેની આખી પ્રજાતિ સપડાઈ ગઈ છે. કોઆલાના શિકાર સામે ઑસ્ટ્રેલિયાના લોકો આક્રોશ ઠાલવે છે. પોતાના માનીતા સજીવનો શિકાર અટકાવવા ખાસ પ્રયાસની ઑસ્ટ્રેલિયનોની માંગણી પછી કોઆલાને સુરક્ષા આપીને તેનો શિકાર થતો અટકાવાયો છે. જોકે, તેના અસ્તિત્વ પર હજુ પણ ખતરો મંડરાઈ રહ્યો છે. શિકારીઓ પર કાબૂ રાખવામાં આવ્યો હોવા છતાં કોઆલાને જંગલી શ્વાનથી ખતરો હંમેશાં રહ્યો છે. આ સિવાય અમુક અસાધ્ય બીમારીઓ લાગુ પડી જતી હોવાથી પણ ઉત્તરોતર આ સજીવની સંખ્યા ઘટતી જાય છે. સતત એ તરફના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે કે આ સુંદર અને નાજૂક દેખાતા સજીવોનું રક્ષણ કરી શકાય. 

ઈંડાંને મોઢામાં સાચવી રાખતી માછલી : માઉથબ્રુડર

જંગલ બૂક
આ ફ્રિકા અને દક્ષિણ અમેરિકાના અમુક સમુદ્રી વિસ્તારમાં માછલીની એક અનોખી પ્રજાતિ જોવા મળે છે. આ માછલી પોતાનાં ઈંડાં તેના મોઢામાં જ સાચવે છે. તેની આ ખાસિયતના કારણે તેને'માઉથબ્રુડર'ના નામથી ઓળખવામાં આવે છે. માઉથબ્રુડરની અન્ય પણ થોડી વિશેષતાઓ છે જે આપણે જાણીએ.
માઉથબ્રુડર નામની પ્રજાતિની માદા તેનાં ઈંડાંને મોઢામાં જ સાચવે છે અને તેની સંભાળ રાખે છે. ઈંડાંમાંથી જેવાં બચ્ચાં બહાર આવે એ પછીનું કામ નર સંભાળે છે.
માઉથબ્રુડર પ્રજાતિના નર બચ્ચાં સાચવવાનું કામ કરે છે અને એ પણ અનોખી રીતે. ઈંડાંને જે રીતે માદા મોઢામાં રાખીને રક્ષણ કરે છે એ જ રીતે બચ્ચાંની સંભાળ પણ નર માઉથબ્રુડર પોતાના મોઢામાં જ રાખે છે.
જ્યાં સુધી બચ્ચાંઓ મોટાં થઈ ન જાય અને પોતાનો ખોરાક પોતાની જાતે લેવા ન માંડે ત્યાં સુધી તે પિતાના મોઢામાં જ સુરક્ષિત સ્થાન બનાવી રાખે છે.
નર માઉથબ્રુડરના મોંમાં બચ્ચાંઓ સચવાયાં હોવાથી તે ખોરાક પણ લઈ શકતો નથી. આ કારણે તેનું શરીર પાતળું પડી જાય છે.
* જોકે, અમુક વખતે અમુક કિસ્સાઓમાં નર થોડો થોડો ખોરાક લઈ શકે છે.
* જ્યારે બચ્ચાં સાધારણ સ્થિતિમાં પાણીમાં તરવા લાગે છે ત્યારે નર માઉથબ્રુડર તેને પાણીમાં છોડી દે છે. બચ્ચાંને કોઈ ખતરો દેખાય તો તે પાછાં પોતાના પિતાના મોંમાં આવી જાય છે.
* બચ્ચાંઓ પૂરી રીતે સ્વતંત્ર થઈ જાય પછી નર માઉથબ્રુડર થોડો વખત માત્ર પર્યાપ્ત ખોરાક લેવાની કાળજી રાખે છે. પાતળા થઈ ગયેલા શરીરને ફરીથી પહેલાંની માફક બનાવે છે.
* ઈંડાંને અને બચ્ચાંઓને મોઢામાં સાચવવાની આ પ્રજાતિની કુશળતા અને ખાસિયત જ તેને અન્ય માછલીઓથી અલગ તારવી દે છે.  
sorce : sandesh

માણસના લોહી વગર ચલાવી લેતા મચ્છરની નવી પ્રજાતિ :
ક્યુલેક્સ મોલેસ્ટસ જંગલ બૂક

ઓ સ્ટ્રેલિયાની એક સંશોધક ટીમે એક એવા મચ્છરની પ્રજાતિ શોધી કાઢી છે જેને ઈંડાં મૂકવા માટે બીજી પ્રજાતિઓની જેમ માણસના લોહીની જરૂર પડતી નથી. સામાન્ય રીતે મચ્છરની અન્ય પ્રજાતિઓની માદાને ઈંડાં મૂકતી વખતે તો ખાસ માણસનું લોહી ચૂસવાની જરૂર પડે છે, પણ ઓસ્ટ્રેલિયામાંથી મળી આવેલા મચ્છરની આ પ્રજાતિને એથી ઊલ્ટું એવી જરૂર જણાતી નથી. સંશોધકોએ તેનું નામ ક્યુલેક્સ મોલેસ્ટસ રાખ્યું છે.
* ક્યુલેક્સ મોલેસ્ટસ મચ્છરની માદા પ્રજાતિની ખાસિયત છે કે ઈંડાં મૂકવા માટે તે એના શરીરમાં રહેલાં પોષકતત્ત્વોનો જ ઉપયોગ કરે છે. આ ક્ષમતાને ઓટોજેની કહેવામાં આવે છે. જ્યાં સુધી ઈંડાં ન મૂકે ત્યાં સુધી માદા સામે લોહીનો ખોરાક મૂકવામાં આવે તો પણ તે લોહી ચૂસતી નથી.
* આવા પ્રકારના મચ્છરો તળાવો કે ગંદા ખાબોચિયામાં રહેવાને બદલે પાણી સંગ્રહ કરવા માટેની ટાંકી કે પાઇપ આસપાસ રહેવાનું પસંદ કરે છે.
* સામાન્ય મચ્છર કરતાં થોડાક નાના આકારના આ મચ્છરોની શોધ કરવામાં સંશોધક ટીમે બે વર્ષનો સમય પસાર કર્યો હતો.
* સંશોધક ટીમના તજ્જ્ઞા અને સિડની યુનિવર્સિટીના વિજ્ઞાની કેમરુન વેબના કહેવા પ્રમાણે હવે આ પ્રજાતિના મચ્છરો સંગ્રાહક પાણીમાં રહેતા હોવાથી પાણીની વિશેષ કાળજી તરફ ધ્યાન આપવું હિતાવહ થઈ પડશે.
* આ મચ્છરોની પ્રજાતિ વર્ષો પહેલાં અમેરિકામાં મોટા પ્રમાણમાં અસ્તિત્વ ધરાવતી હોવાની શક્યતા આ ટીમે વ્યક્ત કરી હતી. ૧૯૪૦ આસપાસ આ મચ્છરો અમેરિકાના સૈનિકો સાથે ઓસ્ટ્રેલિયામાં આવ્યા હશે અને હવે અહીં જ તેણે પોતાનું નવું ઠેકાણું બનાવ્યું હોવાનું સંશોધકો માને છે.

sorce : sandesh