July 21, 2012


સાચી માતા કોણ?

         એકવાર અકબરના દરબારમાં બે સ્ત્રીઓ ઝઘડતી ઝઘડતી આવી. તેમની સાથે એક નાનકડું બાળક હતું. એક સ્ત્રી કહેતી હતી કે, 'આ મારું બાળક છે. હું જ તેની માતા છું.' બીજી સ્ત્રી પણ કહેતી હતી કે, 'આ બાળકની માતા તો હું જ છું.' બંને સ્ત્રીઓ એવી રીતે કહી રહી હતી કે અકબર માટે યોગ્ય ન્યાય આપવાનું મુશ્કેલ બની ગયું. છેવટે અકબરે બિરબલને કહ્યું કે 'બિરબલ, તું જ આમાં કંઈક કર અને સાચો ન્યાય આપ.'
બિરબલે થોડું વિચાર્યા પછી એક જલ્લાદને બોલાવ્યો અને તેના હાથમાં તલવાર આપતા કહ્યું કે 'આ તલવારથી આ નાનકડાં બાળકના બે સરખા ટુકડા કરી બંનેને આપી દે.' પછી બંને સ્ત્રીઓ તરફ જોઈને બિરબલે પૂછયું, 'બોલો, આ તમને મંજૂર છે ને?'
એક સ્ત્રી બોલી, 'જો આ સ્ત્રી બાળક મારું હોવાની વાત સ્વીકારવા તૈયાર ન હોય તો મને આપનો આ નિર્ણય મંજૂર છે.'
પરંતુ એટલામાં પેલી બીજી સ્ત્રી બિરબલના પગમાં પડી, રડતાં-કરગરતાં બોલી, 'મહારાજ, આ બાળકના ટુકડા ન કરો. હું મારો હક જતો કરવા તૈયાર છું.'
બિરબલે અકબર સામે જોઈને કહ્યું કે, 'જહાંપનાહ, ન્યાય થઈ ગયો. આ બીજી સ્ત્રી જ આ બાળકની ખરી માતા છે. એને પોતાનું બાળક કોઈ પણ રીતે જીવે એવી માતૃસહજ લાગણી છે, જ્યારે આ પ્રથમ સ્ત્રીને બાળક પ્રત્યે કશી લાગણી નથી એટલે આ બાળકની સાચી માતા એ હોય જ ન શકે.' અકબરે તરત બાળકને તેની ખરી માતાના હવાલે કર્યું અને બાળક પર ખોટો દાવો કરતી સ્ત્રીને સજા કરી.
બોધઃ
અસત્ય બહુ વખત સુધી છૂપું રહેતું નથી. ખોટું બોલનાર ગમે તેટલી કોશિશ કરે તો પણ આખરે સત્ય સામે આવી જ જાય છે.