July 22, 2012


જેમની પાસે નિવૃત્તિ પછી કાર ખરીદવાના પૈસા ન હતા! ડો. રાજેન્દ્ર પ્રસાદ

પહેલા રાષ્ટ્રપતિ
જન્મ    
૩ ડિસેમ્બર ૧૮૮૪
મૃત્યુ     
૨૮ ફેબ્રુઆરી ૧૯૬૩
રાષ્ટ્રપતિકાળ
૨૬ જાન્યુઆરી ૧૯૫૦થી ૧૩ મે ૧૯૬૨

                પછાત મનાતા બિહારે દેશને પહેલા રાષ્ટ્રપતિ આપ્યા છે. રાજેન્દ્રપ્રસાદનો જન્મ ચંપારણ જિલ્લાના જીરાદેઈ ગામે થયેલો. તેમના પિતા મહાદેવ સહાય હતા અને માતા કમલેશ્વરી દેવી હતાં. મહાદેવ ઘોડેસવારી અને પહેલવાનીના શોખીન હતા. સંસ્કૃત અને ફારસી ભાષાના પણ એવા જ વિદ્વાન. તેમની વિદ્વત્તા સ્વાભાવિક રીતે રાજેન્દ્રમાં ઊતરી. રાજેન્દ્ર પ્રસાદને એક ભાઈ અને ૩ બહેનો હતી. રાજેન્દ્રબાબુ સૌથી નાના હતા.
નાના-મોટા કામ કરતાં રાજેન્દ્ર બાબુ જાહેર જીનનમાં સક્રિય થયા. ગાંધીજી સાથે પણ મુલાકાત થઈ અને તેઓ ગાંધીજીથી ખાસ્સા પ્રભાવિત થયા. લડતમાં સંકળાયેલા હોવાથી ૧૯૪૨માં તેમને ૩ વર્ષ માટે જેલ પણ જવું પડયું. જેલમાં રહીને તેમણે પોતાનું પ્રખ્યાત 'ઇન્ડિયા ડિવાઈડેડ' નામનું પુસ્તક લખી નાખ્યું.
૧૯૫૦નું વર્ષ રાજેન્દ્ર બાબુનો ભાગ્યોદય લઈને આવ્યું. એ વખતે રાષ્ટ્રપતિ કોણ બને એ ગડમથલ ચાલતી હતી. વળી ત્યારે આજની જેમ નેતાઓ રાષ્ટ્રપતિ બનવા માટે લાઈન લગાવી ઊભતા નહીં. પરિણામે સરળતાથી કોઈ ઉમેદવાર મળતો ન હતો. એ વખતે સબ દુઃખો કા એક ઈલાજ જેવા ગાંધીજીની સલાહ લેવાઈ એટલે એમણે સીધું જ રાજેન્દ્રપ્રસાદનું નામ આપી દીધું. પરિણામ? ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીએ સવારે ૧૦:૧૫ વાગ્યે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં તેમણે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. ૩૧ તોપોની સલામી અપાઈ.
નહેરુ જોકે પહેલી વખત રાજગોપાલાચારી અને બીજી વખત ૧૯૫૭માં રાધાકૃષ્ણન્ને રાષ્ટ્રપતિ બનાવવા માંગતા હતા. પણ ડો. પ્રસાદની અભૂતપૂર્વ લોકપ્રિયતા સામે નહેરુની ઇચ્છા ટકી શકી નહીં અને તેઓ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા. સર્વનામુતે જ તેમણે ૧૨ વર્ષ, ૩ મહિના અને ૧૮ દિવસ રાષ્ટ્રપતિ ભવનમાં ગુજાર્યાં. બે વખત રાષ્ટ્રપતિ બનનારા તેઓ એકમાત્ર રાષ્ટ્રપતિ છે. નહેરુ અને રાજેન્દ્રબાબુ વચ્ચેનો વૈચારિક મતભેદ જાણીતો છે. એકદમ વેસ્ટર્ન ટ્રેન્ડમાં રહેનારા નહેરુને સીધા-સાદા રાજેન્દ્રબાબુ સાથે બહુ મેળ ન પડે એ સ્વાભાવિક છે. પણ રાષ્ટ્રપતિ હોવાને કારણે નહેરુ તેમને કશું કરી શકે એમ ન હતા. અલબત્ત, રાજેન્દ્ર પ્રસાદ નિવૃત્ત થયા પછી નહેરુએ પોતાનો રોષ ઉતાર્યો. નિવૃત્તિ પછી રાજેન્દ્ર બાબુ ઇચ્છત તો આલીશાન સરકારી મકાન લઈ શકત, પણ તેમણે પટણાના એક આશ્રમમાં રહેવાનું નક્કી કર્યું. દેશનો એક પણ રૂપિયો ખોટો વપરાય એ એમને પસંદ ન હતું. રાષ્ટ્રપતિ તરીકે તેમને દસ હજાર પગાર મળતો જેમાંથી તેઓ એક હજાર જ સ્વીકારતાં હતા. માટે તેમની આર્થિક સ્થિતિ ખાસ સમૃદ્ધ ન હતી. ૧૯૬૨માં નિવૃત્ત થઈ તેઓ પોતાના વતનમાં રહેવા ચાલ્યા ગયા. તેમને દમનો રોગ હોવાથી હરવા-ફરવા માટે એક મોટર ખરીદવી હતી. પણ નવી મોટર ખરીદી શકાય એટલા પૈસા તેમની પાસે ન હતા. પરિણામે તેમણે નહેરુને વિનંતી કરી કે વડાપ્રધાન તરીકે તમે જો મોટર પરની એક્સાઈઝ ડયૂટી માફ કરી દો તો હું મોટર ખરીદી શકું. નહેરુએ રાજેન્દ્ર પ્રસાદની વિનંતી માન્ય ન રાખી અને રાજેન્દ્રબાબુએ જૂની મોટર ખરીદવી પડી.
તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં કથા કરતાં!
* તેઓ રોજ સ્નાન કરીને જમતાં પહેલાં રામચરિત માનસના અંશોનું પઠન કરતા. એ ક્રમ તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં પણ જાળવી રાખેલો.
* અડધી શતાબ્દી ઊજવી રહેલી ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સ્થાપનાનો આડકતરો યશ પણ રાજેન્દ્રબાબુને જાય છે. બિહારના એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા ત્યારે તેમણે પ્રોડયુસર વિશ્વનાથ પ્રસાદને સૂચન કર્યું કે આપણી ભોજપુરી ભાષામાં શા માટે ફિલ્મ નથી બનાવતા? વિશ્વનાથે રાજેન્દ્ર પ્રસાદની વાત પકડીને ૧૯૬૩માં પહેલી ફિલ્મ રિલીઝ કરી અને એ સાથે જ ભોજપુરીમાં ફિલ્મો બનતી થઈ.
* બ્રિટિશ રાણી એલિઝાબેથ ૧૯૬૧માં ભારત આવ્યાં ત્યારે તેમણે રાજેન્દ્ર પ્રસાદનાં પુસ્તકો જોઈને પૂછયું કે, આટલો બધો સમય તમને ક્યાંથી મળ્યો? ત્યારે રાજેન્દ્રબાબુએ જવાબ આપ્યો કે હું તમારા પિતાની જેલમાં ૧૬ વર્ષ રહ્યો છું એટલે લખવાનો ઘણો સમય મળ્યો છે. sorce : sandesh