પામ્યાં જગત વિશાળ
બાળ વાર્તા - નટવર પટેલ
એક
હતો કૂવો. વનવગડે ઝાડીઓ વચ્ચે આવેલો હતો. તે કૂવામાં પાણી ઝાઝું. પાણીમાં માછલીઓય
ખરી, બે-ચાર કાચબા પણ ખરા ને થોડા
દેડકા પણ ખરા. કૂવામાં બખોલો હતી. ત્યાં કબૂતરોના માળા પણ હતા. કૂવા પર કિનારે
કાંટાળું એક ઝાડ. નામ એનું ખીજડો. એની ડાળી પરથી સુગરીના માળા કૂવામાં લટકે. આમ
કૂવામાં અને તેની આસપાસ સજીવોની નાની સરખી દુનિયા વસી હતી. સુખ-દુઃખમાં સૌ એકમેકને
મદદ પણ કરે.
કૂવામાં
ક્યારેક લાકડાંના ટુકડા પડે. દેડકાઓને તેના પર તરવાની મજા પડે. કૂવાની બખોલમાંય
દેડકા બેસે ને આરામ કરે. કૂવામાંના દેડકાને કૂવો ગમે. એમને મન તો એમનું ગામ ગણો તો
ગામ, વતન ગણો તો વતન. કૂવામાં
જન્મ્યા, કૂવામાં ઉછર્યા ને ત્યાં જ
મૃત્યુ પામે. કૂવા બહારની દુનિયા કદી જોવા ન મળે.
સુખના
એ દિવસોમાં એક વાર સંકટ આવ્યું. એક સાપ ક્યાંકથી કૂવામાં આવી પડયો. સાપે દેડકા
જોયા, એને તો તૈયાર ભોજન મળી ગયું.
રોજ એક દેડકો ગળી જાય ને પછી નિરાંતે બખોલમાં પડી રહે. બસ નિરાંતે ઊંઘ્યા કરે.
બીજે દિવસે પાછો પાણીમાં ઊતરે ને બીજો દેડકો ગળી જાય ને પાછો આરામ કરે.
દેડકાઓની
ચિંતા વધી ગઈ. જો સાપ આમ જ રોજ દેડકા ખાધા કરે તો જતેદહાડે કૂવામાંથી દેડકાની
વસ્તી ઓછી થઈ જાય ને એક દિવસ કૂવામાંના બધા દેડકા સાફ થઈ જાય. દેડકાના સરદારનેય
ચિંતા પેઠી. બધા દેડકા તેને કહે,
"સરદાર, કાંક કરો. નહીંતર બધાંય મરી જઈશું." સરદાર કહે, "રાત દિવસ હું એ જ વિચારમાં છું. સાપને અહીંથી
ભગાડવો પડે અથવા આપણે આ સ્થાન છોડી દેવું પડે."
"સરદાર, સાપ તો હવે અહીંથી નહીં જાય." એક દેડકો બોલ્યો.
"તો પછી આપણે જવું પડે."
સરદારે કહ્યું.
"પણ જઈશું કેવી રીતે? ને ક્યાં જઈશું?" બીજો દેડકો બોલ્યો.
"આપણું વતન છોડી બીજે જવાનું?" એક વડીલ દેડકો બોલ્યો.
"હા, જવું પડશે જો જીવવું હોય તો..! કઈ રીતે જવાય એ અંગે હું
કલ્લુને પૂછું છું." કલ્લુ નામનું કબૂતર સરદારનું મિત્ર હતું. તે પણ કૂવામાં
રહેતું હતું.
તે
દિવસે સરદારે કલ્લુને વાત કરી. થોડી વાર વિચારી કલ્લુ કહે, "તમારે જો બહાર નીકળી જવું હોય તો હું
રામુકાકાને વાત કરું."
"જે કરો તે હવે ઝટ કરજો હોં.
રોજે રોજ અમારી વસ્તીમાં એકનો ઘટાડો થાય છે." સરદારે ચિંતા વ્યક્ત કરી. સવાર
પડી. કલ્લુ સરદારને ચિંતા ન કરવાનું કહી કૂવાની બહાર નીકળ્યો. તે ગામની દિશામાં
ખેતરો તરફ ઊડવા લાગ્યું. એક ખેતરમાં રામુકાકા ખેતર ખેડતા હતા. કલ્લુ શેઢા પરના
લીમડાના ઝાડ પર રામુકાકાની વાટ જોતું બેઠું. થોડી વારે રામુકાકા હળ થોભાવી પાણી
પીવા લીમડા નીચે આવ્યા.
કલ્લુ
કહે, "રામુકાકા, જેજે..."
રામુકાકાએ
ઊંચે જોયું, "ઓહ કલ્લુ તું? જે શ્રીક્રિષ્ન! ભૈ. તું મજામાં ને?" રામુકાકાએ પાણી ભરતાં ભરતાં પૂછયું.
"હું તો મજામાં છું, પણ મારો ભાઈબંધ અને એના જાતિભાઈઓ મોટી મુસીબતમાં ફસાયા
છે." કલ્લુ બોલ્યો.
"કેવી મુસીબત? મને કહે."
ને
પછી કલ્લુએ રામુકાકાને બધી વાત કરી. ને પછી કહે, "રામુકાકા, તમે એમને કૂવામાંથી બહાર
કાઢવામાં મદદ ના કરો?"
રામુકાકા
કહે, "કેમ નહીં? સંકટમાં હોય એને મદદ કરવી એ તો મારી ફરજ કહેવાય."
"તો ઝટ ચાલો." કલ્લુએ કહ્યું.
"ઊભા રહો બળદોને છૂટા કરી દઉં
જેથી એ સેઢે ચરશે ને હું ડોલ અને દોરડું લઈ લઉં." આમ કહી રામુકાકા હળ નજીક
ગયા. બળદોને છોડયા ને પછી ડોલ ને દોરડું લઈ ઊપડયા. કલ્લુ એમને કૂવા પાસે લઈ આવ્યો.
રામુકાકા
કહે, "કલ્લુ, એમ કર તું અંદર જા. દેડકાઓને કહે કે હું ડોલ અંદર જવા દઉં
છું. સૌ એમાં બેસી જજો. બધાં બેસી જાય પછી તું ઉપર આવજે ને મને સૂચના આપજે. હું
દોરડું ખેંચી લઈશ."
"ભલે" કહી કલ્લુ કૂવામાં
ગયો. સરદાર અને દેડકાને બધી વાત સમજાવી સરદારે બધા દેડકાને ભેગા કર્યા. સૌએ શું
કરવાનું છે તે સમજાવ્યું. સૌ દેડકા રાજી થયા.
ડોલ
કૂવામાં આવી. સરદારે સૌને ડોલમાં કૂદી પડવા આદેશ કર્યો. છેલ્લે તે પણ બેસી ગયો પછી
રામુકાકાએ ડોલ ખેંચી લીધી. બધા દેડકા કૂવાની બહાર આવી ગયા. રામુકાકા સૌને ડોલમાં
લઈ થોડે દૂર આવેલા તળાવે ગયા. સૌને એમાં છોડી મૂક્યા.
દેડકાઓએ
તળાવ જોયું. કેવડું મોટું તળાવ! સૌ આંખો ફાડીફાડીને જોતા જ રહી ગયા. કેટલી ખુલ્લી
જગ્યા હતી, કેવો પ્રકાશ હતો! કેવો ઠંડો
પવન આવતો હતો! તળાવના કિનારે તો બેસવા માટે નાના-મોટા પથરા પણ હતા.
સૌને
બહુ મજા પડી. સરદાર કહે, "જોયું! બચી ગયાંને? કૂવા કરતાંય સરસ જગ્યા મળી ને?"
બધા
દેડકા નાચવા ને કૂદવા લાગ્યા. સરદારે કલ્લુનો અને રામુકાકાનો આભાર માન્યો. સૌ ગાવા
લાગ્યા.
છોડી કૂવાની માયા
તો પામ્યાં જગત વિશાળ.
બોલો સૌ પ્રેમથી,
ડ્રાઉં...
ડ્રાઉં...ડ્રાઉં...ડ્રાઉં...
ને
ડ્રાઉં ડ્રાઉં અવાજથી તળાવ ભરાઈ ગયું!
sorce : sandesh