July 21, 2012


આવડતનું અભિમાન કરતા રાજકુમારોની સાન ઠેકાણે આવી
ઉત્તમનગર નામના એક રાજ્યમાં એક શક્તિશાળી રાજા ચિત્રભાનુ રાજ કરતો હતો. આ રાજાના બે પુત્રો જય અને વિજય પણ નાનપણથી જ કુશળ હતા. જયને રાજનીતિ અને શાસ્ત્રોમાં વધુ રસ પડતો હતો, જ્યારે વિજયને શસ્ત્રોમાં પારંગત થવું ગમતું હતું. જય પ્રધાન પાસેથી વિવિધ રાજનૈતિક ચર્ચાઓમાં પહેલેથી ભાગીદાર થવાનું પસંદ કરતો હતો, જ્યારે વિજય રાજ્યના સેનાપતિ પાસેથી વિવિધ શસ્ત્રો શીખવામાં સમય પસાર કરતો રહેતો. રાજાએ પણ બંનેના રસને ધ્યાનમાં રાખીને જયને રાજનીતિ અને શાસ્ત્રોમાં પારંગત બનાવે તેવા પંડિતો પાસે તાલીમ અપાવી, જ્યારે વિજયને નવાં નવાં શસ્ત્રો શીખવી શકે તેવા શસ્ત્રોના જાણકારો પાસે નિપુણ બનાવ્યો.
રાજકુમારો મોટા થયા પછી એમ માનવા લાગ્યા કે પોતે જેમાં પારંગત છે એ જ શ્રેષ્ઠ છે. ધીરે ધીરે બંનેમાં આ બાબતે અભિમાનનું સ્વરૂપ લઈ લીધું. રાજાને જ્યારે આ વાતની જાણ થવા લાગી ત્યારથી તેની ચિંતામાં વધારો થયો. રાજાએ બંને પુત્રોની માન્યતા ખોટી સાબિત કરવાનું મનોમન નક્કી કર્યું અને યોગ્ય મોકાની તલાશ કરવા લાગ્યા. રાજાએ આ વાત તેમના મિત્ર અને પડોશી રાજ્યના રાજા ચતુરસેનને કરી. યુક્તિ પ્રમાણે ચતુરસેને ઉત્તમનગર પર એકાએક આક્રમણ કરી દીધું. રાજાએ બંને કુમારોને મોકલ્યા અને સેનાપતિને સૂચના આપી કે પડોશી રાજા બંને રાજકુમારોને બંદી બનાવી જાય તો પ્રતિકાર ન કરવો.
ચતુરસેને બંને રાજકુમારોને યેનકેન પ્રકારે કેદ કરી લીધા અને પોતાના રાજ્યમાં લઈ ગયો. ચતુરસેને રાજદરબારમાં રાજકુમારોની મુક્તિ માટે બંને સામે શર્ત રાખી. શર્ત એવી હતી કે બંનેએ ચતુરસેનના રાજનીતિજ્ઞાો અને પંડિતોને શાસ્ત્રાર્થમાં હરાવવા, પણ એ પહેલાં ચતુરસેનના યોદ્ધાઓ સામે શસ્ત્રોથી પણ વિજય મેળવવો. બંને અલગ અલગ કળામાં માહેર હતા એટલે હવે બંનેએ એકમેક પર આધાર રાખવો પડે એવી સ્થિતિ હતી. બંનેને વિચારવા માટે અને રણનીતિ ઘડવા માટે થોડો સમય આપવામાં આવ્યો. આ દરમિયાન બંનેને વાત સમજાઈ ગઈ કે કોઈ એક આ કામ કરી શકશે નહીં. બંનેએ મુક્ત થવું હશે તો એકમેકની શક્તિ પર ભરોસો કરવો પડશે. પ્રથમ વાર બંને રાજકુમારોને એકબીજાની કુશળતા પર સન્માન થયું. બંનેએ ચતુરસેનનો પડકાર ઝીલી લીધો. બંનેએ પોતપોતાની નિપુણતા એવી બતાવી કે ચતુરસેનને બંનેની કુશળતા પર માન થઈ આવ્યું. શર્ત પ્રમાણે બંનેને છોડી મૂકવાનું નક્કી થયું. એ જ પળે રાજા ચિત્રભાનુ અચાનક હાજર થયા અને આખી વાત રાજકુમારોને કહી સંભળાવી અને કહ્યું કે જ્યારે રાજ્યની જવાબદારી તમારા શિરે આવશે ત્યારે જો આવી પરિસ્થિતિ સામે આવે તો તમે એકમેકની કુશળતાથી ભારતભરના રાજાઓને હરાવી શકવા સમર્થ છો. બંને રાજકુમારોએ રાજાની આ વાત સહર્ષ સ્વીકારી લીધી. હવે બંનેને પાતાની શક્તિઓ પ્રત્યે જે અભિમાન હતું તેના સ્થાને એકબીજાને સન્માન આપવા લાગ્યા.
બોધઃ આપણી પાસે જે કળા હોય તે જ સર્વશ્રેષ્ઠ છે એવું માનવાને કોઈ કારણ નથી. બીજા પાસે રહેલી કુશળતાનું પણ એટલું જ મહત્ત્વ છે. દરેકની અલગ કળા હોય છે અને એને ભેગી કરી દેવામાં આવે તો એ વિપુલ શક્તિ બની જતી હોય છે.
sorce : sandesh  

અટકચાળાનું બૂરું પરિણામ

 એક શહેરથી થોડે દૂર આવેલા રમણીય ઉપવનમાં એક મંદિર બાંધવાનું કામ ચાલતું હતું. મંદિર બનાવવા માટે કડિયા, સુથાર વગેરે કારીગરો કામે લાગ્યા હતા. એક દિવસ સુથારોએ એક મોટું લાકડાનું થડિયું વહેરવા માંડયું. એ અડધું વહેરાયું, એટલામાં બપોરે જમવાનો વખત થયો. સુથારો પેલા અડધા વહેરાયેલા થડની ફાટ વચ્ચે એક મોટી ફાચર મારીને જમવા જતા રહ્યાં.
એ વખતે વાંદરાનું એક મોટું ટોળું આ સ્થળે આવી ચડયું. વાંદરાં તો તોફાની હોય જ. એટલે કેટલાક વાંદરા લાકડા ઉપર કૂદાકૂદ કરવા લાગ્યા. કેટલાક ઓજારો સાથે રમત કરવા લાગ્યા. એવામાં એક વાંદરો પેલા અડધા વહેરેલા થડ પાસે પહોંચી ગયો અને પેલી ફાચરને બળપૂર્વક ખેંચવા લાગ્યો. તેણે ફાચરને જોરથી ખેંચી, એથી ફાચર ફાટમાંથી બહાર આવી ગઈ. એ વખતે પેલા થડની ફાટ ભેગી થવાથી એમાં એનું પૂંછડું બરાબરનું ભીંસાઈ ગયું.
વાંદરાએ ચીસાચીસ કરી મૂકી. એની ચીસો સાંભળીને બધા વાંદરા ત્યાં ભેગા થઈ ગયા. પેલા વાંદરાએ પોતાનું પૂંછડું કાઢવા ઘણા ધમપછાડા કર્યા, પણ પેલી ફાટમાં પૂંછડું એવું તો દબાઈ ગયું હતું કે બહાર ન જ નીકળ્યું.
છેવટે તેણે પૂંછડું કાઢવા જોરદાર ઝાટકો માર્યો એટલે પૂંછડું તડાક દઈને તૂટી ગયું! વાંદરો હંમેશને માટે બાંડો બની ગયો!
વાંદરાને અટકચાળા કરવાનું બૂરું પરિણામ ભોગવવું પડયું.
બોધ : વિચાર્યા વગર કરેલા કામનું પરિણામ બૂરું આવી શકે. આપણને જેની ખબર જ નથી એવું કામ કરતા પહેલાં વિચારવું જોઈએ, કારણ કે પછી અટકચાળાનું બૂરું પરિણામ ભોગવવાનો વારો આવે છે.
 sorce : sandesh